સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો
સુખનું સરનામું આપો.
સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો…
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો.
સુખનું સરનામું આપો…
કેટલા ગાઉ, જોજન, ફલાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો…
( શ્યાલમ મુનશી )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment