યુદ્ધની આવી ચૂકી છે ક્ષણ હવે તો શંખ ફૂંકો
મોત સાથે શક્ય છે સગપણ હવે તો શંખ ફૂંકો
આપને દુનિયાને ઉત્તર દેવા બંધાયા નથી, પણ
આયના સામે લીધેલું પણ હવે તો શંખ ફૂંકો
વેદના, અવહેલના, અપમાન, લાચારી, ગુલામી
વણરૂઝેલા કેટલા છે વ્રણ હવે તો શંખ ફૂંકો
તોડવું, છુટ્ટા થવું ગમતું નથી ને છે જરૂરી
સાપ બનતાં જાય છે સગપણ હવે તો શંખ ફૂંકો
ફક્ત નકશામાં હતું ને, ત્યાં સુધી કંઈ ડર ન'તો પણ
આંગણે આવી રહ્યું છે રણ હવે તો શંખ ફૂંકો
આરતીટાણું થયું છે, સાંજ મંદિરની સભર છે
ને સ્મરણમાં ઊભરે એક જણ હવે તો શંખ ફૂંકો
( હિતેન આનંદપરા )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment