દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી ! કહો એને પ્યારની જિંદગી,ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો, હે અશ્રુઓ, ધૂળમાં,જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઇએ જીવન સુધી.
જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment